ભાવનગર પંથકમાં છેલ્લા 3 કલાકમાં કમોસમી વરસાદ મન મૂકીને વરસ્યો છે, ત્રણ કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અલંગ, સોસિયા, ભાંખલ, મણાર, માથાવડા, ભારાપરા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ખેતીને નુકસાન થયું છે અને ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે.ભાવનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત રહ્યો છે અને તળાજામાં સતત ચોથા દિવસે માવઠાનો માર રહ્યો છે, વહેલી સવારે તળાજામાં ધોધમાર વરસાદ પડયો છે અને વરસાદને લીધે માર્કેટયાર્ડમાં શાકભાજી પહોંચી ન હોવાની વાત પણ સામે આવી છે. ભાવનગર શહેરમાં મોડી રાત્રે કણબીવાડ, રૂપમ ચોક, ખારગેઇટ, વડવા, પાનવાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભાવનગરના ગૌતમેશ્વર તળાવના દરવાજા ખોલાયા છે, પાણીની સતત આવકના પગલે દરવાજા ખોલાયા છે અને નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે.
ભાવનગરમાં કમોસમી વરસાદથી એપ્રોચનું ધોવાણ
ભાવનગરના મોટા ખુટવડાથી બોરડી, કૃષ્ણનગરને જોડતા પુલ પર ધોવાણ થયું છે, રોજકી નદીમાં ભારે પ્રવાહથી પુલના એપ્રોચનું ધોવાણ થયુ છે અને ધારાસભ્ય સુધીર વાઘણીએ પુલનું નિરીક્ષણ કર્યું છે અને ઝડપથી રિપેરિંગ કામ પૂર્ણ કરવા MLAએ તંત્રને આદેશ કર્યો છે, તાત્કાલિક ધોરણે પુલ શરુ કરવા કામગીરી શરુ કરાઈ છે. ભાવનગરના જેસરમાં પાકને ભારે નુકસાન થયું છે, કમોસમી વરસાદથી મરચાના પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરમાં પાણી ભરાઇ જતા મોટા પાયે નુકસાન થયું છે.
