રાજ્યમાં વરસાદની સત્તાવાર વિદાયના આરે જતાં ફરી એકવાર મેઘરાજાએ અણધારી એન્ટ્રી મારતાં ખેડૂતોની ચિંતામાં અનેકગણો વધારો થયો છે. કારતક મહિનામાં અષાઢી માહોલ જામતાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જ્યાં વેરાવળમાં એક જ દિવસમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, ઉનામાં 1 ઇંચ, જ્યારે તાલાલા અને ગીર ગઢડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને માંગરોળ સહિતના વિસ્તારોમાં પણ માવઠું વરસ્યું હતું.
મગફળી અને ઘાસચારાને મોટો ફટકો
સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ અને મગફળીના પાકને લણવાના સમયે જ કમોસમી વરસાદનો માર પડ્યો છે. ખેતરોમાં તૈયાર પડેલા મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા છે. જો હજી વધુ વરસાદ આવશે તો મગફળીનો પાક સડી જવાની ભીતિ છે. એટલું જ નહીં, પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ વરસાદી પાણીમાં પલળી જતાં નકામો બની ગયો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના વરસાદથી માંડ બેઠા થયેલા જગતના તાતને લાભ પાંચમના દિવસોમાં ફરી માવઠાએ બેહાલ બનાવ્યા છે.
દક્ષિણ ગુજરાત અને ડાંગની સ્થિતિદક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ગણદેવી-બીલીમોરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ડાંગર (ખરીફ), સોયાબીન અને ચીકુના પાકને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગ જિલ્લાના આહવામાં ડાંગર, વરાઈ, નાગલી અને કઠોળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.
માર્કેટિંગ યાર્ડમાં દોડધામ
મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી ચાલી રહી છે. અચાનક વરસાદ વરસતાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ડાંગરના જથ્થાને બચાવવા માટે ખેડૂતોની ભારે દોડધામ મચી ગઈ હતી. ખેતરોમાં ઊભો પાક પલળી જતાં પાકની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે.
